કેરીનાં વિવિધ અથાણાં
1. પાણી કેરી
જરૂરી સામગ્રી:-
1) કેરીના મરવા 2 કિલો
2) મીઠું પ્રમાણસર
3) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીના મરવા એક વાસણમાં લઈ એને પાણી વડે ધોઈ નાખવા. પછી આ મરવાને લુછી નાખવા. પછી કાચની એક નાનકડી બરણી લઈ એમાં સૌથી નીચે મીઠાનો એક થર પાથરવો. આ મીઠાના થરની ઉપર કેરીનું એક થર પાથરવું એની ઉપર કેરીના મરવાનું થર પાથરવું. આમ કેરીના મરવા હોય ત્યાંસુધી એક પછી એક થર પાથર્યા કરવા.
આ થર બારેક દિવસ સુધી આ પ્રમાણે રાખી મૂકવા પરંતુ બે ત્રણ દિવસે આ થર દબાવતા રહેવું.
થોડા દિવસમાં એટલે કે પંદરેક દિવસમાં તમારું અથાણું તૈયાર થઇ જશે.
2. પાણીચી કેરી
જરૂરી સામગ્રી:-
1) નાની કેરી 4 કિલો
2) મીઠું 750 ગ્રામ
3) હળદર પ્રમાણસર
4) આખા સૂકા મરચા 100 ગ્રામ
5) દિવેલ 20 ગ્રામ
6) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં કેરી લઈ તેને પાણી વડે ધોઈ નાખવી. પછી તેમાં મીઠું, હળદર, તેલ અને દિવેલ નાખીને રગદોળી નાખવી. કેરી સુધાર્યા વગર આખે આખી રગદોળવી. પછી બરણીમાં પણ થોડોક મીઠાનો મસાલો નાખવો અને એમાં આ રગદોળેલી કેરી નાખવી. પછી વધેલો માસલો એની ઉપર નાખવો.
પછી એની સાથે સૂકા મરચાં પણ મસાલામાં રગદોળીને નાખવા. આમ કરવાથી કેરી સારી રહે છે.
પછી થોડાક દિવસ રોજ સવારે આ બરણી હલાવતા જવી અને આઠ-દસ દિવસ પછી આ અથાણાંનો ઉપયોગ કરવો.
3. બોળ કેરી
જરૂરી સામગ્રી:
1) કેરીના મરવા 1 કીલો
2) મીઠું 250 ગ્રામ
3) દીવેલ 100 ગ્રામ
4) હળદર 5 ગ્રામ
5) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:
કેરીના મરવા લઈ પ્રથમ એને ધોઈ નાખવા. પછી એમાં ચપ્પુ લઈ રવૈયાની માફક એક ઊભો અને એક આડો કાપો કરવો.
પછી મીઠું, હળદર અને દિવેલ ભેગાં કરી એનો મસાલો બનાવવો અને પછી રવયાની માફક કેરીમાં ભરવો. પછી બરણીમાં પહેલા દિવેલ અને પછી હળદર લગાડી એમાં તૈયાર કરેલા કેરીનાં મરવા ભરી દેવા અને ત્રણ-ચાર દિવસ સુધી બરણી રોજ હલાવવી. આમ કરવાથી તમારું અથાણું તૈયાર.
4. કટકી કેરી
જરૂરી સામગ્રી:-
1) કાચી કેરી 4 કીલો
2) મીઠું પ્રમાણસર
3) હળદર પ્રમાણસર
4) ગોળ 4 કીલો
5) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
બને ત્યાં સુધી સારી જાતની રાજાપુરી કેરી લઈ એને ધોઈ નાખવી અને પછી એની છાલ ઉતરાવી. પછી એને સમારીને એની ઝીણી ઝીણી કટકી કરવી. પછી એમાં મીઠું અને હળદર નાખીને ખૂબ ચોળવી. પછી એને દબાવીને એમાંથી પાણી કાઢી નાખવું અને પછી એને છાંયે મૂકવી.
પછી બધી કેરી સુકાઈને કોરી થઈ જાય એટલે એક તપેલામાં એને નાખવી અને આ કેરીનું જેટલું વજન હોય તેટલા જ વજનનો ગોળ લઈ એમાં નાખવો. પછી તપેલાની ઉપર ધોયેલું સ્વચ્છ સફેદ કપડું બાંધવું. પછી એને આખો દિવસ ત્રણ દિવસ તડકે રાખવું.
પછી એમાં લાલ મરચાં ભૂકી અને હિંગ નાખીને એને બરાબર હલાવવું અને બરણી ભરી લેવી.
5. ગોળ કેરી
જરૂર સામગ્રી:-
1) રાજાપુરી કેરી 10 કીલો
2) મેથી 200 ગ્રામ
3) હિંગ 1 ચમચી
4) દિવેલ 100 ગ્રામ
5) તલનું તેલ 4 કીલો
6) ગોળ 4 કીલો
7) આખા મરચાં 2
8) ગોંડલિયું મરચું 1 કીલો
9) હળદર એક ચમચી
10) રાઈ પ્રમાણસર
11) મીઠું દોઢ કિલો
બનાવવાની રીત:-
મેથીને સાફ કરી એને ચૂલે ચડાવી ધીમા તાપે શેકવી. પછી એને દળવી અને કરકરી રાખવી. પછી તેમાં મીઠું અને મરચું નાખી હલાવવું. પછી તેમાં થોડી હિંગ નાખવી પછી દિવેલને ચૂલે ચડાવી એને ગરમ કરવું. સારી રીતે ગરમ થાય એટલે એમાં રાઇ, આખા મરચાંના કકડા, અને હિંગ નાખીને વઘાર કરવો. આ વધારે સ્હેજ ઠંડો પડે એટલે મસાલો વઘારવો.
પછી કેરીને પાણીમાં ધોઈ નાખવી અને સૂડા વડે એના કકડા કરવા. પછી મીઠામાં આ બધા કકડા રગદોળવા.
પછી એક કથરોટ લઇને એમાં કેરીનાં થોડાક કકડા નાખવા. પછી એમાં થોડુંક તેલ નાખીને રગદોળવા. પછી ગોળને ઝીણો કાતરી મસાલાની સાથે ભેળવી દેવો. અને પછી એમાં કેરીના કટકા નાખી એને બરાબર હલાવવા.
પછી બરણીની નીચે થોડુંક તેલ નાખીને એમાં ત્રીજા દિવસે નાખવું. પછી બરણી ઉપર બરાબર ઢાંકણ ઢાંકીને એની ઉપર કપડું બાંધી એને હવાચુસ્ત કરી નાખવું
થોડા દિવસ પછી એનો ઉપયોગ કરી શકો છો.
6. મેથિયા કેરીનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 4 કીલો
2) હળદર 10 ગ્રામ
3) કરકરી મેથી 300 ગ્રામ
4) દળેલું મીઠું 750 ગ્રામ
5) હિંગ 5 ગ્રામ
6) મરચાની ભૂકી 300 ગ્રામ
7) તેલ 700 મિ.લિ.
8) દિવેલ 250 મિ.લિ.
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
અેક વાસણ લઈ તેમાં મસાલાની બધી સામગ્રી ભેગી કરવી.
પછી એક વાસણ લઈ એમાં દિવેલ નાખીને તેને ચૂલે ચઢાવી ગરમ કરવું. પછી આ બધો મસાલો દિવેલમાં નાખી દેવો. પછી સંભારને ઠંડો પાડવો.
પછી કેરીને ધોઈ નાખીને એના પાંચ પાંચ સેન્ટિમીટર લાંબા ટુકડા કરવા. આ કેરીના ટુકડા તૈયાર કરેલા મસાલામાં નાખીને રગદોળવા અને પછી એને સાફ કરેલી બરણીમાં ભરી લેવા. આ બરણીમાં ચોવીસ કલાક રાખી મૂકયા પછી એમાં તેલ રેડવું અને ત્રણ દિવસ પછી આ કેરીના કટકા ડૂબી જાય એટલું તેલ રેડવું.
7. કેરી ખારેકનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 1 કિલો
2) ખારેખ 200 ગ્રામ
3) મીઠું 200 ગ્રામ
4) સૂકા મરચા 10 ગ્રામ
5) રાઇના કુરીયા 70 ગ્રામ
6) ખાંડ 1 કીલો
7) આદુ 70 ગ્રામ
8) કાળી દ્રાક્ષ 225 ગ્રામ
9) સરકો 750 ગ્રામ
10) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈ તેમાં ખારેક ધોઈ નાખવી. પછી તેના આઠ કકડા કરવા.
પછી દ્રાક્ષને પણ એક વાસણમાં પાણી લઈ ધોઈ નાખવી અને પછી એમાંથી બી કાઢી નાખવા. પછી મરચાંના બબ્બે કટકા કરવા અને એમાંથી બધા બી કાઢી નાખવા. ત્યારબાદ આદુની છાલ ઉતારીને એના ગોળ પૈતા કરવા. પછી આ બધી વસ્તુઓને તડકે સૂકવીને કોરી પાડવી. ચોથા ભાગને સરકો લઈ તેમાં આ બધું પલળવું.
પછી કેરીને પાણીમાં ધોઈ નાખવી અને એની છાલ ઉતારી એના અઢી અઢી સે.મી. જેવડા ટુકડા કરવા.
પછી ચોથા ભાગનો સરકો એક વાસણમાં લઈ, તેમાં મીઠું અને કેરીના આ કટકા નાખી ચૂલે ચડાવવા અને બે ત્રણ ઊભરા આવે ત્યાં સુધી એને ગરમ કરવા.
ત્યારબાદ એને નીચે ઉતારીને એમાંથી કેરીના કટકા બહાર કાઢી લેવા. પછી અડતાલીસ કલાકે સરકામાં ખાંડ નાખીને એની એકતારી ચાસણી બનાવવી.
પછી બાકીની બધી સામગ્રી આ ચાસણીમાં ભેળવવી અને એને ચૂલે ચડાવી, બે ત્રણ ઊભરા આવે ત્યાં સુધી એને ત્યાંસુધી એને ગરમ કરવી. પછી એને બરણીમાં ભરી લેવું.
8. કેરી વરિયાળીનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 4 કિલો
2) વરિયાળી 200 ગ્રામ
3) કરકરી મેથી 200 ગ્રામ
4) લાલ રાઇના કુરિયા 500 ગ્રામ
5) ખાંડ 3 કિલો
6) ધાણાના કુરિયા 400 ગ્રામ
7) દળેલું મીઠું 300 ગ્રામ
8) હળદર અડધી ચમચી
9) લાલ મરચું 200 ગ્રામ
10) હિંગ અડધી ચમચી
બનાવવાની રીત:-
એક વાસણમાં કેરી લઇને તેમાં પાણી નાખી ધોઈ નાખવી. પછી એના પાંચ પાંચ સે.મી. લાંબા ટુકડા કરવા. પછી હળદર અને મીઠામાં રગદોળીને એને ચોવીસ કલાક રાખી મૂકવા. આ સમય દરમ્યાન એને અવાર નવાર ઉછાળવા. પછી એમાંથી પાણી નિતારી લેવું અને એક ચોખ્ખું કપડું ખુલ્લી હવામાં પાથરી તેમાં આ કેરીના કટકા સૂકવવા.
ત્યારબાદ બધો મસાલો ભેગો કરીને એને હલાવવો અને એમાં કેરીના કટકા નાખીને રગદોળવા. પછી એને હલાવવા. ત્યારબાદ કલાઈવાળા તપેલામાં ભરવા. અને ખાંડ ઓગળે ત્યાં સુધી અવારનવાર હલાવવા.
પછી બરણીમાં ભરી લેવું.
9. કેરીનું સાદું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાજાપૂરી કેરી 4 કીલો
2) તેલ દોઢ કીલો
3) મીઠું 650 ગ્રામ
4) હળદર 100 ગ્રામ
5) મરચું 650 ગ્રામ
6) હિંગ 50 ગ્રામ
7) રાઈની દાળ 500 ગ્રામ
8) મેથી 75 ગ્રામ
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં તેલ લઈ એને ચૂલે ચડાવી એમાં રાઈની દાળને શેકી નાખવી. પછી મેથીને કરકરી દળવવી અને તેલમાં શેકી નાખવી. પછી હળદર અને મરચું પણ તેલમાં સાધારણ શેકી નાખવું. પછી તેલ નાખ્યા વગર મીઠું પણ શેકી નાખવું. આમ આ બધા મસાલા શેકીને તૈયાર કરવા.
પછી એક વાસણમાં કેરી લઈ એને ધોઈ નાખવી અને પછી એના ચાર ચાર સે.મી. ના કટકા કરવા. પછી એક મોટા ત્રાંસમાં થોડુંક તેલ લઈને તેમાં કેરીના આ કકડા રગદોળવા. ત્યારબાદ એ જ ત્રાંસમાં તૈયાર કરેલો મસાલો નાખીને ફરી કેરીના કટકા રગદોળવા. ત્યાર બાદ એને બરણીમાં નાખીને ભરી લેવા.
બીજે દીવસે એક વાસણમાં તેલ લઈ. એને જરા ગરમ કરી એમાં હિંગ નાખવી અને પછી તેલ ઠંડુ પડે એટલે અથાણામાં નાખી દેવું.
10. સુંદર કેરી
જરૂરી સામગ્રી:-
1) રાજાપૂરી કેરી અઢી કીલો
2) મીઠું 150 ગ્રામ
3) ખાંડ 1 કીલો
4) તેલ 1 કીલો
5) મેથીનો સંભાર પોણો કીલો
6) મરચા પ્રમાણસર
7) હિંગ થોડી
8) લીંબુનો રસ પ્રમાણસર
9) રાઇ પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈ તેમાં કેરી નાખી ધોઈ નાખવી. પછી એના કટકા કરીને એમાંથી ગોટલી કાઢી નાખવી. પછી કેરીના કટકાને મીઠાંમાં રગદોળવા અને બે દિવસ રાખી મૂકવા. આ બે દિવસ દરમિયાન અવાર નવાર એને ઉછાળવા. પછી ત્રીજે દિવસે ખુલ્લી હવામાં એક કપડું પાથરી એની ઉપર કેરીના કટકા પાથરીને કોરા કરવા.
પછી એક વાસણ લઈ તેમાં તેલ નાખી તેમાં રાઇ, હિંગ અને મરચાનાં કકડાને વઘાર કરીને તે ઠંડુ પડે એટલે એમાં કેરીનાં કટકાને રગદોળવા.
એક વાસણ લઈને એમાં ખાંડ નાખવી. પછી ખાંડ ડૂબે એટલું પાણી નાખવું. પછી એને ચૂલે ચડાવીને ઉકાળવું. પછી એમાં થોડોક લીંબુનો રસ નાખવો. આમ કરવાથી ખાંડનો મેલ ઉપર તરી આવશે તે ચમચી વડે નીતારી લેવો. પછી ચાસણી બે તારી થાય એટલે એને નીચે ઉતારી લેવી.
આ ચાસણી ઠંડી પડે એટલે એમાં કેરીના કકડા અને મેથીનો સંભાર નાખીને હલાવવું અને પછી બરણીમાં ભરી લેવું.
11. વઘારિયાં ગોળચા
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 2 કીલો
2) ગોળ 1 કીલો
3) તેલ પ્રમાણસર
4) મીઠું પ્રમાણસર
5) મેથી પ્રમાણસર
6) રાઇ પ્રમાણસર
7) ધાણા પ્રમાણસર
8) મરચું પ્રમાણસર
9) હળદર ચપટી
10)જીરૂ પ્રમાણસર
11) રાઈ પ્રમાણસર
12) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
રાજાપુરી કેરી લઈ એની છાલ ઉતારી નાખવી અને પછી એક વાસણમાં પાણી લઈ એને ધોઈ નાખવી. પછી આ કેરીના કટકા કરવા.
પછી એક તપેલામાં તેલ મૂકીને એમાં રાઈ, મેથી, હિંગ, ધાણા, જીરૂ અને મરચાના કટકા નાખીને કેરીના કટકા વઘારવા. પછી એમાં મીઠું અને હળદર નાખવા. પછી ધીમા તાપે એને ચૂલેચડાવવું.
પછી આ કટકા બફાય એટલે ચપ્પા વડે ગોળને સમારીને અંદર નાખવો. આ ગોળ ઓગળે અને જાડા રસા જેવું થાય એટલે એમાં મરચું નાખીને ઉતારી લેવું.
પછી ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.
12. તડકા છાંયડાની કટકી કેરી
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 6 કિલો
2) ખાંડ 6 કિલો
3) મરચું 500 ગ્રામ
4) મીઠું પ્રમાણસર
5) હળદર પ્રમાણસર
6) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીને પાણીમાં ધોઈને છોલી નાખવી. પછી ફરી પાછી એને ધોઈ નાખવી. પછી એની ઝીણી કટકી કરવી. પછી આ કટકીમાં મીઠું અને હળદર નાખવા. પછી પાંચ-છ કલાક રાખી મૂકવું. પછી કટકીને હાથથી દબાવીને એમાંથી બધું પાણી કાઢી નાખવું.
ત્યારબાદ ક્લાઇવાળું તપેલું લઈને એમાં કેરીની કટકી અને ખાંડ ભેળવવાં. પછી તેને આખી રાત રાખી મૂકવાં. બીજે દિવસે એ તપેલા ઉપર બારીક કપડું બાંધીને એને તડકે મૂકવું. આમ તડકે બે ચાર દિવસ મૂકતા જાવ અને હલાવતા જાવ. પછી એની ચાસણી બરાબર પાકી જાય એટલે તડકામાંથી એને લઈ લેવું. ચાસણી બરાબર પાકી જાય પછી જ એમાં મીઠું અને મરચું નાખીને બરાબર હલાવવું. પછી તેને બરણીમાં ભરી લેવું.
13. વઘારિયા કટકી કેરી
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 4 કિલો
2) ગોળ 4 કિલો
3) મરચું 250 ગ્રામ
4) હળદર અડધી ચમચી
5) હિંગ ચપટી
6) રાઈ થોડી
7) જીરૂ પ્રમાણસર
8) આખા મરચાં 2
9) તલનું તેલ પ્રમાણસર
10) મીઠું પ્રમાણસર
બનાવવાની રીત :-
કેરીને પાણીમાં ધોઈને એને છોલી નાખવી. પછી ફરીથી એને ધોઈ નાખવી. પછી એને ઝીણી કટકી કરવી. પછી એક તપેલીમાં તેલ મૂકીને એમાં જીરૂ, રાઈ, હિંગ આખા મરચાના કટકા નાખીને એનો વઘાર કરવો. પછી કટકી એમાં વઘારવી. પછી એમાં હળદર અને મીઠું નાખીને એને ધીમાં તાપ ઉપર મૂકવું. પછી કટકા બફાઈ જાય એ પહેલાં એમાં ચપ્પુ વડે ઝીણો સમારીને ગોળ નાખવો. પછી ગોળનો બરાબર રસો થાય અને કટકી બફાઈ જાય એટલે એમાં મરચું નાખી, બરાબર હલાવી, ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.
14. મેથંબો
જરૂરી સામગ્રી:-
1) કાચી કેરી 5 કિલો
2) હિંગ પ્રમાણસર
3) સૂકું મરચું 100 ગ્રામ
4) રાઈ 8 ચમચી
5) મેથી 8 ચમચી
6) તેલ 8 ચમચા
7) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈ કેરીને એમાં ધોઈ નાખવી. પછી એની છાલ ઉતારી એના બબ્બે ઈંચના કટકા કરવા. પછી એક વાસણમાં કેરી લઈ, તે ડૂબે, તેનાથી બમણું પાણી લઈ એમાં નાખવું અને પછી એને ચૂલે ચડાવી ઉકાળવું. પાણીનાં ત્રણચાર ઉભરા લાવવા.
પછી વાસણને ચૂલા ઉપરથી નીચે ઉતારી એમાંથી કેરી બહાર કાઢવી અને પછી પાણીને નિતારી નાખવું. પછી એ તપેલા ઉપર એક ચોખ્ખું અને કોરું કપડું બાંધી એને ઠંડી પાડવી. પછી કેરીના વજન કરતાં બમણા વજનની ખાંડ એમાં નાખવી અને કેરી દીઠ 35 ગ્રામ જેટલું મીઠું એમાં નાખવું. પછી ખાંડની બેતારી ચાસણી બનાવવી અને મીઠું તથા કેરી નાખીને ત્રણ ચાર ઊભરા લાવવા. પછી જ્યારે ચાસણી ઠંડી પડે ત્યારે એમાં મરચું નાખીને વઘાર કરવો. પછી ઠંડુ પડે એટલે બરણીમાં અથાણું ભરી લેવું.
15. કેરી અને ગોળનો છુંદો
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 4 કીલો
2) ગોળ 4 કિલો
3) મીઠું પ્રમાણસર
4) હળદર પ્રમાણસર
5) મરચું પ્રમાણસર
6) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
પ્રથમ કેરીને ધોઈને છોલી નાખવી. પછી કેરીને છીણી નાખીને એનો છુંદો કરવો. એમાં હળદર અને મીઠું નાખીને એક કલાક રાખી મૂકવું. પછી છીણના ગોળા વાળવા અને એને બે હાથે દબાવીને એને નીચોવી નાખી એનું પાણી કાઢી નાખવું. પછી કલાઈવાળું એક તપેલું લઈને કેરીનું છીણ એમાં નાખવું. પછી થોડુંક મીઠું નાખવું.
પછી ગોળને ભાંગીને એમાં નાખવો અને બે ત્રણ કલાક એને રાખી મૂકવો. આમ કરવાથી ગોળ ઓગળી જશે એટલે આખું તપેલું ચૂલા ઉપર ચડાવવું. થોડો વખત એને ગરમ કરીશું એટલે ગોળનો રસો જાડો થશે. પછી એમાં મરચું નાખીને હલાવવું અને ઉતારી લેવું. પછી ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.
16. તડકા-છાંયડાનો છુંદો
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 6 કીલો
2) ખાંડ 6 કીલો
3) મરચું પ્રમાણસર
4) હળદર 2 ચમચો
5) મીંઠું 7 ચમચી
બનાવવાની રીત:-
કેરીને છોલી નાખવી. પછી એને ધોઈ નાખવી. પછી છીણી લઈને એનું છીણ કરવું. પછી એમાં મીઠું અને હળદર નાખીને એને એક કલાક સુધી રાખી મૂકવું. પછી છીણ હાથથી દબાવી
નીચોવી નાખવું અને એમાનું બધું પાણી કાઢી નાખવું.
પછી ક્લાઈવાળું એક તપેલું લેવું. એમાં કેરીનું છીણ, ખાંડ, અને મીઠું નાખીને એને આખી રાત રાખી મૂકવું. ખાંડનું પાણી થઈ જાય એટલે તપેલાને બારીક કપડું બાંધીને તડકામાં રાખી મૂકવું. આ દરમ્યાન રોજ છુંદાને હલાવતા રહેવું. ખાંડની ચાસણી પાકી થાય અને રસદાર બને એટલે એમાં મરચું નાખીને હલાવવું. પછી એક બે દિવસ એમને એમ રાખી મૂકવું અને બરણીમાં ભરી લેવું.
17. વઘારિયો છુંદો
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 2.5 કીલો
2) ગોળ અઢી કિલો
3) તલનું તેલ 100 ગ્રામ
4) આખા મરચાં બે
5) મરચું પ્રમાણસર
6) હળદર પ્રમાણસર
7) મીઠું પ્રમાણસર
8) હિંગ ચપટી
9) રાઈ ચમચી
10) જીરૂ નાની ચમચી
11) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીને છોલી નાખવી. પછી એને ધોઈ નાખવી. પછી છીણીથી એને છીણી નાખવી. પછી એમાં મીઠું અને હળદર નાખીને રાખી મૂકવું. પછી એને દબાવીને એમાંથી પાણી કાઢી નાખવું.
ત્યારબાદ કલાઈવાળું એક તપેલું લઈને એમાં તેલ મૂકવું. એમાં રાઈ, જીરૂ, હિંગ અને આખા મરચાના કટકાનો વઘાર કરીને છીણ વઘારી નાખવું. પછી એમાં મીઠું અને હળદર નાખીને ઢાંકણ ઢાંકી રાખી મૂકવું. પછી ધીમા તાપે ચૂલા ઉપર ચડાવવું.
પછી ગોળનો ચપ્પા વડે ઝીણો ભૂકો કરીને એની અંદર નાખવો. ગોળનો રસો જાડો થાય એટલે એમાં મરચું નાખીને ઉતારી લેવું. પછી આ છૂંદો ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવો.
18. કેરીનું અથાણું ( મહારાષ્ટ્રીયન)
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 7 કીલો
2) તેલ અઢી કિલો
3) મીઠું 1 કીલો
4) રાઈની દાળ 600 ગ્રામ
5) મેથી 125 ગ્રામ
6) હળદર 250 ગ્રામ
7) હિંગ 100 ગ્રામ
8) મરચું 1 કિલો
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
રાઈના કુરિયાં અથવા તો મેથીના કુરિયાંને તેલમાં શેકી નાખવા. મેથીને કરકરી દળાવવી. એને તેલમાં ફરીથી શેકી નાખવી. હળદર અને મરચું પણ તેલમાં થોડાં થોડાં શેકી નાખવું.
આ બધી શેકેલી વસ્તુઓ તૈયાર કરીને એનો મસાલો તૈયાર કરવો.
પછી કેરીને ધોઈ નાખવી અને દોઢ દોઢ ઇંચના એના કકડા કરીને એક ત્રાંસમાં તેને નાખી, એમાં થોડુંક તેલ નાખી એને રગદોળી નાખવો. પછી તેને બરણીમાં ભરી લેવું.
ત્યારબાદ તેલને ચૂલે ચડાવી ગરમ કરવું. પછી એમાં હિંગ નાખવી અને તેલ ઠંડુ પડે અટલે બરણીમાં રેડી દેવું.
19. કેરીનું અથાણું (પંજાબી)
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી 4 કીલો
2) મેથી 200 ગ્રામ
3) વરિયાળી 100 ગ્રામ
4) સરસિયું 50 ગ્રામ
5) જીરૂ 50 ગ્રામ
6) ધાણા પ્રમાણસર
7) હળદર પ્રમાણસર
8) લાલ મરચું પ્રમાણસર
9)મીઠું પ્રમાણસર
10) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીને મોટા તપેલામાં પાણી લઈ ધોઈ નાખવી. પછી દરેક કેરીના ચાર ચાર ટુકડા કરવા. પછી એમાંથી ગોટલી કાઢી નાખવી. અને ભીના કપડાથી કેરી લુછી નાખવી. પછી એમાં હળદર અને મીઠું લગાડવા. પછી એને ત્રણ ચાર કલાક રહેવા દેવાં. આમ કરવાથી કેરીમાંથી પાણી છૂટશે. આ પાણીને જુદું કાઢી લઈને વાસણમાં ભરી લેવું. પછી કેરીના ટુકડાને તડકામાં એકાદ કલાક સૂકવી દેવા.
ત્યારબાદ મેથીને ચૂલા ઉપર શેકી નાખવી અને પછી બાકીનો મસાલો એની સાથે સાથે ભેળવી દેવો. પછી કાચની એક મોટી બરણી લઈને એમાં એક થર મસાલાનો અને એક થર કેરીનો એમ ગોઠવી દેવો. આવી રીતે આખી બરણી દબાવીને ભરી દેવી. પછી એક આખો દિવસ સવારથી તે સાંજ તડકામાં રાખી મૂકવી. બીજે દિવસે બધું અથાણું ડૂબી જાય એટલું તેલ એમાં નાખવું. પંદરેક દિવસમાં કેરી ગળીને અથાણું તૈયાર થઈ જશે.
20. ડાબલા કેરી
જરૂરી સામગ્રી:-
1) નાની કેરી 2.5 કિલો
2) મીઠું 500 ગ્રામ
3) તલનું તેલ 1 કિલો
4) મેથી 350 ગ્રામ
5) મરચું 300 ગ્રામ
6) આખા મરચા બે
7) હિંગ 1 ચમચી
8) હળદર 1 ચમચી
9) રાઈ અડધી ચમચી
10) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
મેથીને તાવડીમાં નાખીને રતાશ પડતો થાય ત્યાંસુધી શેકવી. પછી તેને કરકરી દળવી. પછી તેમાં બાકીનો બધો મસાલો નાખીને ભેગું કરવું. પછી એક વાસણમાં તેલ લઈને તેને ગરમ કરવી. તેમાં રાઈ, આખા મરચાં અને હિંગ નાખીને એનો વઘાર કરવો. પછી તે ઠંડો પડે એટલે મસાલો વઘારવો.
પછી એક વાસણમાં કેરીઓ લઈ એને ધોઈ નાખવી. પછી એને રવૈયાની માફક આડી ચીરવી. પછી એમાંથી ગોટલી કાઢી નાખવી. પછી એમાં દાબી દાબીને મસાલો ભરવો.
ત્યારબાદ બરણીની નીચે થોડુંક તેલ નાખીને એમાં ડાબલા કેરી ભરવી. પછી એની ઉપર મસાલો દાબી દેવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે એટલું તેલ એમાં નાખીને એની બરણી બંધ કરી તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું.
પછી ચાર પાંચ દિવસ પછી એનો ઉપયોગ કરવો.
21. કેરીના બાફણા
જરૂરી સામગ્રી:-
1) રસની કાચી કેરી 2 કિલો
2) મીઠું 500 ગ્રામ
3) તેલ ચાર પાંચ ચમચા
4) રાઈના કુરિયા 250 ગ્રામ
5) રાઈ પ્રમાણસર
6) મેથી થોડીક
7) દિવેલ બે ચમચી
8) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કલાઈવાળું એક તપેલું લેવું. એમાં પાણી લેવું. પછી આ પાણીમાં મીઠું નાખીને એમાં કેરી નાખવી અને પછી એને ચૂલે ચડાવવું. થોડીવાર પછી પાણી ઉકળશે અને કેરી બફાસે. કેરીની કરચલી પડે એટલે કેરી બફાઈ જાય એમ સમજવું. પછી એને બહાર કાઢી લઈને એને થોડીકવાર રાખી મૂકવી એટલે કેરીઓ સુકાઈ જશે. પછી એના ડિચકા ઉપર દિવેલવાળી આંગળી કરીને લગાવવી.
પછી એક ત્રાંસમાં રાઈના કુરિયા લઈ એમાં થોડુંક પાણી અને તેલ નાખી એને બરાબર ફીણવી. પછી એ ફીણેલી રાઈ એક પછી એક કેરીને હાથમાં લઈને લગાડવી. પછી એને બરણીમાં ભરી લેવી.
જરૂર પડે એટલે એને ભોજન સાથે આરોગવી પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે આ અથાણું દસ દિવસમાં પૂરું કરવું નહિતર પછી બગડી જશે.
22. ગોળિયા કેરીનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી અઢી કિલો
2) મીઠું 100 ગ્રામ
3) ખારેક 250 ગ્રામ
4) બદામ કાઢેલા આલૂ 250 ગ્રામ
5) ફીણેલી રાઈ 250 ગ્રામ
6) તેલ 2 ચમચા
7) તજ 10 ગ્રામ
8) લવિંગ 10 ગ્રામ
9) હળદર એક ચમચી
10) ખાંડ 500 ગ્રામ
11) પાણી પ્રમાણસર
12) વરિયાળી 50 ગ્રામ
બનાવવાની રીત:-
કેરીને એક મોટા વાસણમાં નાખી પાણીથી ધોઈ નાખવી. પછી એની છાલ ઉતારી એના બબ્બે ઈંચના કકડા કરવા. પછી હળદર અને મીઠામાં રગદોળી એને ચોવીસ કલાક રાખી મૂકવા. દિવસમાં ત્રણ ચાર કલાકે હલાવવા.
પછી ચોખ્ખું કપડું પાથરી એની ઉપર આ કકડા ખુલ્લી હવામાં સૂકવવા. આ કકડા પાંચેક કલાક સૂકવી રાખવા અને કેરીનું પાણી રાખી મૂકવું. આ પાણીમાં રાઈ ફીણવી. પછી ખારેક અને જરદાલુને બાર કલાક સુધી કેરીના પાણીમાં પલાળી રાખવાં. પછી તેના ઠળિયા કાઢી લેવા અને નાના નાના કકડા કરવા. પછી કેરીના ફીણેલી રાઈ અને ખાંડ નાંખીને બરાબર હલાવવા અને સ્ટીલની તપેલીમાં ભરીને થોડી થોડીવારે હલાવવું.
પછી બીજે દિવસે કેરીમાં ખારેક, જરદાલુ, તજ, લવિંગ, વરિયાળી અને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવવું.
પછી બરણીમાં ભરી લેવું.
23. રાયતી કેરી
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી અઢી કિલો
2) ગોળ સવા કિલો
3) ખારેક 100 ગ્રામ
4) ખાંડેલી રાઈ 250 ગ્રામ
5) મરી 25 ગ્રામ
6) વરિયાળી 25 ગ્રામ
7) તલનું તેલ પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીની છાલ ઉતારી તેના લટકા કરી તે મીઠું અને હળદર રાખી એક રાત રાખી મૂકો. પછી કપડા પર સૂકવવા મૂકો. તેમાંથી મીઠું અને હળદર ખાટું પાણી નીકળે તેમાં ખાંડેલી રાઈ નાખી ખૂબ ફીણો. પછી તેમાં હળદર, મીઠું, ઝીણો સુધારેલો ગોળ અને તલનું તેલ નાખી ખૂબ હલાવો. ખારેકને પણ ખાટા પાણીમાં રાખી પછી કોરી થાય એટલે તેમાંથી બી કાઢી તેના પીસ કરી તેમાં નાખો. પછી વરિયાળિ અને મરી મિક્સ કરી હલાવી તેને બરણીમાં ભરી દો.


0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.