ગુંદાના વિવિધ અથાણાં
1. ગુંદાના અથાણાં
જરૂરી સામગ્રી:-
1) ગુંદા 2 કિલો
2)મેથીનો સંભાર 2 કિલો
3) રાજાપુરી કેરી 1 કિલો
4) તેલ 2 કિલો
5) હળદર પ્રમાણસર
6)મીઠું પ્રમાણસર
7) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીને છોલી નાખવી. પછી આખે આખી ધોઈ નાખવી. પછી એને છીણીમાં મીઠું અને હળદર નાખીને રાખી મૂકવું. થોડા સમય પછી એને નીચોવી નાખવી અને એમાંથી પાણી કાઢી નાખવું. આ પાણીમાં મેથીનો સંભાર ભેળવી દેવો.
ત્યારબાદ ગુંદાને ધોઈ નાખવા. ધોઈને એને કોરાં કરી નાખવાં. પછી એને ભાંગીને એમાંથી બિયા કાઢી નાખવા. પછી એમાં મેથીનો સંભાર ભેળવેલો કેરીનો છૂંદો દાબી દાબીને ભરવો. પછી થોડુંક તેલ લઈને તેમાં ગુંદાને રગદોળવા, અને પછી બરણીમાં ભરી લેવા. વધેલો સંભાર એની ઉપર પાથરી દેવો અને બીજે દિવસ અથાણું ડૂબે એટલું તેલ એની ઉપર રેડવું.
2. બોળ ગુંદા
જરૂરી સામગ્રી:-
1) ગુંદા 500 ગ્રામ
2) મીઠું 100 ગ્રામ
3)હળદર પ્રમાણસર
4) ખાટું પાણી પ્રમાણસર
5) સાદું પાણી પ્રમાણસર
બનાવવાની રીત :-
સારાં અને મોટી જાતના ગુંદા લઈ એને પાણીથી ધોઈ નાખવા. ધોઈને સાફ કરવા. પછી એક વાસણમાં ખાટું પાણી, મીઠું અને હળદર નાખવા. પછી એમાં સાફ કરેલાં ગુંદા નાખવા અને દબાવી રાખવા. આમ આઠેક દિવસ ગુંદાને દબાવી રાખવા. અને પછી પથ્થર ઊંચકી લઈ એમાંથી ગુંદા કાઢી લેવા અને બરણીમાં ભરી દેવા.
3. ગોળ ગુંદા
જરૂરી સામગ્રી:-
1) મોટા ગુંદા 1કિલો
2) દળેલું મીઠું 200 ગ્રામ
3) મેથીના કુરિયા 100 ગ્રામ
4) ખાંડેલું લાલમરચું 100 ગ્રામ
5) તેલ 50 ગ્રામ
6) ગોળ નો ભૂકો પ્રમાણસર
7) હિંગ થોડીક
8) હળદર પ્રમાણસર
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
ગુંદાને એક વાસણમાં લઈ પાણીમાં નાખી પલાળી રાખવા. પછી એને બરાબર ધોઈને કપડા વડે લૂછીને કોરા કરવા. પછી તેને ભાંગીને એમાંથી ઠળિયા કાઢી નાખવા.
પછી બધો મસાલો ભેગો કરી ચોળી નાખવો અને એકરસ બને એમ કરવું.
પછી ગુંદાને સહેજ પહોળા કરી એના કાપા મારફત એમાં આ તૈયાર કરેલો મસાલો દાબી દાબીને ભરવો. પછી આ ગુંદા બરણીમાં ભરી દેવા. બીજે દિવસે બરણીમાં આ ગુંદા દબાવીને એમાં તેલ રેડવું.
4. ગુંદાનું અથાણું (સાદા)
જરૂરી સામગ્રી:-
1) મોટા ગુંદા 500 ગ્રામ
2) કેરી સવા કિલો
3) મેથીનો સંભાર 1 કિલો
4) મીઠું 100 ગ્રામ
5) તલનું તેલ 1 કિલો
6) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈ તેમાં ગુંદા ધોઈ નાખવા. પછી તેને કોરાં કરી નાખવા. પછી એને ભાંગી નાખવા અને મીઠાનો હાથ દઈને ઠળિયા કાઢી નાખવા. પછી એની અંદર તૈયાર કરેલો મેથીનો સંભાર દાબી દાબીને ભરી દેવો.
પછી કેરીને ધોઈ નાખવી અને એના કટકા કરી નાખવા. પછી તેને મીઠામાં રગદોવવા. એક દિવસ અગાઉ એને આથી રાખવા.બીજે દિવસે કપડા ઉપર પાથરીને બરાબર કોરા કરી નાખવા. પછી એક કથરોટ લઈને એમાં કેરીના કટકા નાખી દેવા. તેલ નાખીને બરાબર મસાલો ભેળવવો.
પછી આ અથાણું બરણીમાં એવી રીતે ભરો જેમાં એક થર કેરીનો અને બીજો થર ગુંદાનો આવે. સૌથી ઉપર કેરીનો થર આવે એમ કરવું. પછી સૌની ઉપર મેથીનો સંભાર પાથરવો અને તેમાં થોડુંક તેલ નાખવું. પછી બરણીમાં ભરી લેવું.

0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.