લીંબુના અથાણાં
1. લીંબુનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) લીંબુ 1 કિલો
2) લીલા મરચાં 500 ગ્રામ
3) હિંગ નાની ચમચી
4) આદુ 100 ગ્રામ
5) ખાંડ 1 કિલો
6) હળદર પ્રમાણસર
7) કાળા મરી 10 દાણા
8) તેલ પ્રમાણસર
9) ધાણાજીરૂ પ્રમાણસર
10) મીઠું પ્રમાણસર
11) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
લીંબુને ધોઈ નાખવા. પછી એને કોરાં કરી નાખવા. પછી એની ત્રણ ચીરીઓ કરવી. એમાં મીઠું અને હળદરનું મિશ્રણ કરીને ભરવું. પછી એને બરણીમાં ભરી દેવાં. પછી બરણી ઉપર કપડું બાંધી દેવું અને એને બે દિવસ તડકામાં રાખી મૂકવું.
ત્યારબાદ લીંબુની છાલ થોડી થોડી અથાય એટલે એમાં મરચું, ધાણાજીરૂ, આખા મરી, છીણેલું આદું, ખાંડ, તેલ, અને હિંગ નાંખીને બરણીને ફરીથી કપડું બાંધી દેવું. ખાંડની ચાસણી થઈ જાય એટલે અથાણું તૈયાર થઈ ગયું છે એમ માની લેવું અને પછી ખોરાક સાથે એનો ઉપયોગ કરવો.
2. સંભરીયા લીંબુનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) લીંબુ 1 કિલો
2) તેલ પ્રમાણસર
3) રાઈના કુરિયા 100 ગ્રામ
4) ભરડેલી મેથી 100 ગ્રામ
5) મીઠું 200 ગ્રામ
6) મરચાંની ભૂકી 50 ગ્રામ
7) હળદર પ્રમાણસર
8) હિંગ નાની ચમચી
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈને લીંબુ ધોઈ નાખવા. પછી એને કપડા વડે લૂછી આડા અને ઊભા કાપા કરીને રાખી મૂકવા. પછી બધો મસાલો ભેગો કરીને ચોળી નાખવો અને લીંબુ બરણીમાં ભરી દેવાં. પછી જ્યારે મરજી પડે ત્યારે કાઢીને ખાવા.
3. ગળ્યા લીંબુ
જરૂરી સામગ્રી:-
1) લીંબુ 1 કિલો
2) દિવેલ 100 ગ્રામ
3) ખાંડ 2 કિલો
4) લાલ મરચું પ્રમાણસર
5)દળેલું મીઠું 200 ગ્રામ
6) હળદર અડધો ચમચો
7) હિંગ સહેજ
8) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
લીંબુને લીંબુનું ચાલુ અથાણું બનાવી આથી નાખવા. લગભગ ત્રણ ચાર અઠવાડિયામાં લીંબુ અથાઈ જશે.પછી એક થાળીમાં નિતારીને મૂકવા. પછી જેટલા લીંબુ હોય તેનાથી બમણી ખાંડ, હિંગ અને લાલ મરચાંની ભૂકી લેવાં. આ ત્રણેય વસ્તુને બરાબર ચોળીને આથેલા લીઁબુમાં ભરી દેવી. પછી ફરી પાછા આ બધા લીંબુનેબરણીમાં ભરી દેવાં અને પંદરેક દિવસ રાખી મૂકવાં.
ખાંડ બરાબર ઓગળી જાય એટલે એનો ઉપયોગ કરવો.
4. લીંબુનું ચાલુ અથાણું
જરૂરી સામગ્રી:-
1) કાગદી લીંબુ 1 કીલો
2) દળેલું મીઠું 200 ગ્રામ
3) હિંગ થોડી
4) દિવેલ 100 ગ્રામ
5) હળદર અડધો ચમચો
6)પાણી પ્રમાણસર
બનાવવાની રીત:
એક વાસણમાં પાણી લઈ તેમાં ધોઈ નાખવા. પછી તેને કોરા કપડા વડે લૂછીને સાફ કરવા. પછી ચપ્પા વડે તેને એક ઊભો અને એક આડો કાપો કરવો.
પછી હિંગ, દિવેલ, મીઠું અને હળદર ભેગા કરી તેનો મસાલો બનાવવો. પછી તૈયાર કરેલો આ મસાલો લીંબુના કાપામાં ભરવો. બધો જ મસાલો લીંબુમાં ભરાઈ જાય પછી લીંબુ બરણીમાં ભરી દેવા. બે ચાર દિવસ પછી જ્યારે લીંબુનો રસ બરણીમાં છૂટે ત્ત્યારે બરણીમાં બરાબર દાબીને ભરી દેવા.
બે સવા બે મહિનામાં લીંબુ અથાઈ જાય એટલે તમારી ઈચ્છા મુજબ અથાણું ખાઈ શકો છો.
5. લીંબુની છાલનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) કાગદી લીંબુ 6 નંગ
2) ખાંડ 100 ગ્રામ
3) હિંગ સહેજ
4) ગરમ મસાલો અડધી ચમચી
5) મીઠું પ્રમાણસર
6)પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
લીંબુનો રસ કાઢી નાખ્યા પછીની જે છાલ વધે તે છાલને એક વાસણમાં પાણી ધોઈ નાખવી. પછી બહુ જાડી નહિ અને બહુ પાતળી નહિ એવી માફસરની એની ચીરિયો બનાવવી. પછી એક તપેલામાં પાણી લઈ એને ચૂલે ચડાવી આ ચીરીઓ એમાં નાખવી અને પાણી ઉકાળવું. આ પાણીમાં લીંબુની છાલની ચીરીઓ ગળી જાય એટલે એક કપડું પાથરી એની ઉપર ચીરીઓ સૂકવી દેવી.
પછી એક તપેલામાં પાણી લઈ એમાં ખાંડ નાખી એને ચૂલે ચડાવીને એની એકતાર ચાસણી બનાવવી. એમાં લીંબુની છાલની આ બધી ચીરીઓ નાખી દેવી. આ ચીરીઓ ફૂલી જાય ત્યારે તેને ચૂલા ઉપરથી નીચે ઉતારવી.
પછી એમાં ગરમ મસાલો, મીઠું, હિંગ અને લાલ મરચું નાખી બરાબર હલાવવુ અને પછી બરણીમાં ભરી લેવું.
6. બાફેલા લીંબુનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) કાગદી લીંબુ 250 ગ્રામ
2) આંબા હળદર 50 ગ્રામ
3) લીલી હળદર 50 ગ્રામ
4) આદુ 50 ગ્રામ
5) લીલા મરચા એક-બે
6) લાલ મરચું પ્રમાણસર
7) ખાંડ 100 ગ્રામ
8) હિંગ નાની ચમચી
9) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
પાકાં અને પીળા કાગદી લીંબુ લઈ એને કુકરની ચારણીમાં મૂકી વગર પાણીએ બાફી નાખવા. લીંબુ બફાઇ જાય અને કરમાઈ જાય એટલે એને એક થાળીમાં કાઢી લઈને એને ઠંડા પાડવા . પછી આદું, હળદર, આંબાહળદર વગેરેની નાની નાની ચીરીઓ કરીને એને મીઠામાં ચોળી નાખવી. પછી એને નિતારી નાખવી. જ્યારે લીંબુ ઠંડા પડે એટલે એના કકડા કરવા અને ગલ હોય એની સાથે જ આદું વગેરેની ચીરીઓ નિતારીને ભેળવી દેવી. પછી તેમાં ખાંડ અને મસાલો ચોળીને તેલ નાખી બરણીમાં ભરવી.

0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.